Thursday, December 2, 2010

બિનુ સતસંગ બિબેક ન હોઈ...


બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ 1
સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા 2

સત્સંગ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને એ સત્સંગ શ્રીરામજીની કૃપા વિના મળવો મુશ્કેલ છે. સત્સંગતિ એ આનંદ-મંગળનું મૂળ છે. સિદ્ધિ એનું ફળ છે. સર્વ સાધનો તેનાં ફૂલ છે.

સઠ સુધરહિં સતસંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ 3
બિધિ બસ સુજન કુસંગત પરહીં, ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં 4

જેમ પારસમણિના સ્પર્શથી લોઢું કંચન બની જાય છે તેમ સારી સંગતથી દુષ્ટ મનુષ્ય પણ સુધરી જાય છે. દૈવયોગે સજ્જન મનુષ્ય કુસંગતે ચડી જાય તોયે સર્પના મણિની પેઠે સ્વગુણોને જ તે અનુસરે છે.

દોહાઃ બંદઉં સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ
અંજલિગતસુભ સુમન જિમિ સમ સુગંધ કર દોઈ 1

જેઓને કોઈ દુશ્મન કે દોસ્ત નથી તે સમદર્શી સંતોને હું વંદન કરું છું. જેમ અંજલિ (હથેળી)માં રાખેલું ફૂલ બન્ને હાથોને બરોબર સુવાસિત કરે છે, તેમ સંતો શત્રુ અને મિત્ર બન્નેનું સમાનરૂપથી કલ્યાણ કરે છે.

સંત સરલ ચિત્ત જગત હિત જાનિ સુભાઉ સનેહુ
બાલબિનય મુનિ કરિ કૃપા રામ ચરન રતિ દેહુ 2

સંતો સરળ ચિત્તવાળા અને જગતને હિતકર્તા છે એવો તેઓનો ઉત્તમ સ્વભાવ તથા અપૂર્વ સ્નેહ જાણી હું તેઓને પ્રાર્થના કરું છું કે મુજ બાળકની વિનંતી સાંભળી કૃપા કરીને મને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ આપો.

Sunday, November 28, 2010

સાધુ ચરિત સુભ ચરિત કપાસુ....


સાધુ ચરિત સુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ 1
જો સહિ દુઃખ પરછિદ્ર દુરાવા, બંદનીય જેહિં જગ જસ પાવા 2

સાધુઓનું ચરિત્ર સુંદર કપાસતુલ્ય છે, જેનું ફળ રસરહિત હોવા છતાં સ્વચ્છ અને શુભ હોય છે, કપાસની જેમ તેઓ પોતે કષ્ટ સહીને બીજાઓના દોષોને ઢાંકે છે, એટલે જે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે.

મુદ મંગલમય સંતુ સમાજુ, જો જગ જંગમ તીરથરાજૂ 3
રામ ભક્તિ જહં સુરસરિ ધારા, સરસઈ બ્રહ્મ બિચાર પ્રચારા 4

સંતોનો સમાજ આનંદમય અને મંગલમય છે, જે જગતમાં હાલતાચાલતા તીર્થરાજ પ્રયાગરૂપ છે, જ્યાં સીતારામની ભક્તિરૂપ ગંગાજીની ધારા છે અને બ્રહ્મવિચારના પ્રચારરૂપ સરસ્વતી છે.

બિધિ નિષેધમય કલિ મલ હરની, કરમ કથા રબિનંદનિ બરની 5
હરિ હર કથા બિરાજતિ બેની, સુનત સકલ મુદ મંગલ દેની 6

વિધિ અને નિષેધરૂપી જે કર્મકાણ્ડની કથા છે તેને કલિકાળના પાપોને હરનારી સૂર્યપુત્રી યમુનારૂપ વર્ણવી છે અને વિષ્ણુ અને શિવની કથા મળીને ત્રિવેણીરૂપ શોભે છે, જે સાંભળતા જ આનંદ મળે છે અને કલ્યાણ થાય છે.

બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા, તીરથરાજ સમાજ સુકરમા 7
સબહિ સુલભ સબ દિન સબ દેસા, સેવત સાદર સમન કલેસા 8

ધર્મમાં અચળ વિશ્વાસ અક્ષયવડ છે અને શુભ કર્મો તીર્થનો મેળો છે. સંત-સમાજરૂપી પ્રયાગ સર્વને માટે બધાય દિવસ સર્વ દેશોમાં સુલભ છે અને આદરપૂર્વક સેવવાથી બધાય કલેશો નષ્ટ કરનાર છે.

અકથ અલૌકિક તીરથરાઊ, દેઈ સદ્ય ફલ પ્રગટ પ્રભાઊ 9

એ તીર્થરાજ અકથનીય અને અલૌકિક છે, તે તુરત ફળ આપે છે. એનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે.

દોહોઃ સુનિ સમુઝહિ જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ 1

જે ભાવિક મનુષ્યો સંતસમાજરૂપી તીર્થરાજના ઉપદેશને પ્રસન્નચિતથી સાંભળીને મનન કરે છે ને તેમાં મગ્ન બની જાય છે. તેઓ તો પોતાની હયાતીમાં જ ચાર પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.