Saturday, November 27, 2010

રામનામ પારસમણિ કરતાં પણ અમૂલ્ય છે...


રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે તે પોતાને માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, 'પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે.' રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો ઇલાજ છે.

રામનામરૂપી અમૃત પીવાની કોઈ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે. રામનામમાં જે શક્તિ છે તેને વિશે મને જરાય શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાગ પરિશ્રમની જરૂર છે, ધીરજની પણ આવશ્યકતા છે. પારસમણિ મેળવવો છે ને ધીરજ ન રાખીએ તો કેમ ચાલે? ને રામનામ પારસમણિ કરતાં કેટલુંયે અમૂલ્ય છે!

મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે કોઈ પણ રૂપમાં ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઈ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબોમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે.


મહાત્મા ગાંધી

No comments:

Post a Comment